૪૨ પાટણમાં મહોત્સવ જે દિવસે પાટણમાં સમાચાર આવ્યા કે મહારાજ જયસિંહદેવ માલવવિજય – સવારી લઈને સરસ્વતીતીરે આજે આવી પહોંચવાના છે, તે દિવસે પાટણમાં ઉત્સાહનો સાગર રેલાયો. મહારાજે સાંજે નગર બહાર મુકામ નાખ્યો છે અને પ્રભાતમાં એમનો વિજય પ્રવેશ થવાનો છે એ ઘોષણા થઇ અને આખી રાત પાટણમાં કોઈએ નિંદ્રા કરી નહિ. સેંકડો હજારો ને લાખો દીપીકાઓથી ઝળાંહળાં બનેલું નગર જાણે ત્યારે જ સ્વર્ગમાંથી આવ્યું હોય એવું અદ્ભુત દેખાવા માંડ્યું. નગરસુંદરીઓએ ગીતોની સ્પર્ધા માંડી. છોકરાઓએ ‘જય સોમનાથ!’ની રણહાક પોળેપોળે ગજાવવા માંડી. એમણે નિંદ્રા લીધી નહિ ને કોઈને લેવા દીધી નહિ. ઠેકાણે-ઠેકાણે અક્ષતના, કંકુના, કેસરના, કુસુમના સાથિયા પુરાવા માંડ્યા. શતકોટીધજ શ્રેષ્ઠીઓને આંગણે