રાજર્ષિ કુમારપાલ - 10

  • 2.2k
  • 1
  • 1.4k

૧૦ ગુજરાતનો વિદ્યાપતિ એ વખતે ગુજરાતનો વિદ્યાપતિ કવિ રામચંદ્ર હતો. કવિ શ્રીપાલ ખરો. એનો સિદ્ધપાલ પણ ખરો. એમ તો પંડિત સર્વજ્ઞ વિદ્વાન હતો. પણ કવિ રામચંદ્રની વાણીમાં સાક્ષાત સરસ્વતી રહેતી! એની વાણી, એની છટા, એનો શબ્દટંકાર – સભામાં એ વિજયી સેનાપતિ સમો દેખાતો. એની એકએક ઉક્તિ આવે ને માણસોના મન અને શીર્ષ ડોલી ઊઠે! એની ભરતીમાં ટંકારવ ધનુષનો હતો, તો શબ્દોમાં ખુમારી નિરંકુશ વાણીપતિની હતી. રામચંદ્રની સિદ્ધિ જોઈ કલિકાલસર્વજ્ઞ જેવા આચાર્ય હેમચંદ્રાચાર્યને પણ થઇ આવ્યું હતું કે કહો-ન-કહો, વિદ્યાનું અવિચળ સ્થાન ગુજરાતમાં આ ચલાવશે! બીજાને એક વિદ્યાના સ્વામી થતાં નેવનાં પાણી મોભે જતાં; રામચંદ્ર તો ત્રણત્રણ વિદ્યાનો અદ્વિતીય સ્વામી હતો.