૭ રાજપિતામહ પણ એ શબ્દના પડઘા શમ્યા-ન-શમ્યા અને રાજસભામાં છેડે બેઠેલાઓમાંથી એક ગૌરવર્ણનો ઊંચો પુરુષ ઊભો થઇ ગયેલો સૌની નજરે પડ્યો. એની રીતભાત અને વેશ પરદેશી જેવા હતાં. તે રૂપાળો, સશક્ત અને પ્રતાપી લાગતો હતો. તેના એક હાથમાં ગ્રંથ હતો. કવિની છટા દર્શાવતું એનું ઉપવસ્ત્ર ખભા ઉપરથી લટકી રહ્યું હતું. ધનુષટંકારવ સમા અવાજે આહ્વાન આપતો હોય તેમ એ બોલ્યો: ‘મહારાજ! આ બિરુદ – “રાજપિતામહ” આવી રીતે બોલી નાખનાર કવિજન અજ્ઞ જણાય છે. શું આંહીં, આ રાજસભામાં કોઈ જ જાણતું નથી કે આ બિરુદ ધારણ કરવાનો અધિકાર માત્ર એક જ રાજપુરુષનો છે – કોંકણરાજ મહારાજ મલ્લિકાર્જુનનો?’ એની આ વાણી સાંભળતાં જ