(અગાઉ જોયું તેમ સારવાર મળવાથી ભમરાજી સ્વસ્થ થયા હતા. પરંતુ અમારું કામ હજી અધૂરું હતું. એટલે વૈદ્યરાજને મળીને અમે અમારી છેલ્લો દાવ અજમાવવાનું નક્કી કરીને છૂટા પડ્યા. હવે આગળ..) . ******************* બેસતા વરસનો દિવસ આખો હળવામળવામાં પસાર થઈ ગયો. મંદિરમાં લોકોની અવરજવર અને ચેલાઓની ચાકરીથી ભમરાજી વધુ સ્વસ્થ લાગતા હતા. હવે બધા સાથે થોડી વાત પણ કરતા હતા. પરંતુ વૈદ્યે ના પાડી હોવાથી કોઈ રાતવાળી ઘટના અંગે પૂછતું નહોતું. દિવસ આથમ્યો. મંદિરમાં ચહલપહલ ધીમી થઈ. ધરતી પર અંધારાના ઓળા ઉતરવા લાગ્યા. એ સાથે જ ભમરાજીનો જીવ પણ ગભરાવા લાગ્યો. ચેલાઓ પણ પાછા હાંફળાફાંફળા થવા લાગ્યા. ભમરાજીની આંખો ચકળવકળ થવા લાગી.