૩૯ હઠીલો રણસંગ્રામ બીજે દિવસે પ્રભાતના ચોકીદાર કૂકડાએ હજી પોતાની નેકી પોકારી ન હતી, ત્યાં તો જુદ્ધના રણશંખોએ એક વાર ફરીને આકાશને ગજવી મૂક્યું. કાલના જુદ્ધ ઉપરથી જ જણાતું હતું કે માલવીઓ હવે તો મરણજુદ્ધ જ ખેલી લેશે. નમતું આપે એ આશા વ્યર્થ હતી. મહારાજ જયસિંહ પોતે અને સેનાપતિ કેશવ આખા સૈન્યને સજ્જ કરી દેવા, વહેલી પ્રભાતથી જ ઘોડા ઉપર સવાર થઇ નીકળી પડ્યા હતા. એમણે રણક્ષેત્રને જાગતું કરનારી ‘જય સોમનાથ!’ની રણઘોષણા પાડતા સૈનિકોને તૈયાર જ દીઠા. એ પોતે બધી તરફના મોરચા સંભાળી જવા નીકળ્યા હતા. સૌથી ભીષણ જુદ્ધ દક્ષિણ દરવાજે થશે એવી વકી હતી. એ દિશા તરફ પદાતિ, ઘોડેસવારો,