૩૪ દિવાસ્વપ્ન મહારાજે આમંત્રેલા સંન્યાસીઓ રાજવાટિકામાં આવ્યા ત્યારે મલ્હારભટ્ટના આનંદનો પાર ન હતો. એના મનથી એણે પોતાનો એકડો નોંધાવ્યો હતો. સ્તંભતીર્થના રાજા જેવા ઉદયન મંત્રીશ્વરને મહાત કર્યો હતો. હવે પછી એની ગણના મહારાજના રાજદ્વારી વીર નરોમાં થવાની હતી. એનું નામ કેશવ સેનાપતિ જેવાનાં નામ સાથે લેવાવાનું હતું. ચરણવંદના કરીને એક પછી એક સંન્યાસીને એ, અંદરના ખંડમાં મહારાજના સાંનિધ્યમાં મોકલી રહ્યો હતો. છેલ્લા સંન્યાસીનો વારો આવ્યો. મલ્હારભટ્ટની અધીરાઈ વધી ગઈ. એણે એની સામે જોયા વિના ઉતાવળે ચરણવંદના કરવા હાથ લંબાવ્યો: ‘ભગવન્! એણે આંખ મીંચીને વિવેકથી કહ્યું, ‘તમને પણ મહારાજની પાસે...’ તે નીચે નમ્યો. ચરણે મૂકવા માટે બે હાથ લાંબા કર્યા. મસ્તક