૨૯ રાજમહાલયમાં બંને જણા રાજમહાલય તરફ જવા માટે પુષ્પવાટિકાને માર્ગે ચાલી રહ્યા હતા. ચંદ્રજ્યોત્સના સરોવરનું, ધવલ આરસના કિનારાથી શોભતું નિર્મળ જળ અત્યારે પ્રકાશનાં લાખો પ્રતિબિંબ ઝીલતું શોભી રહ્યું હતું. એને કાંઠે કેટલાંક ધોળાં મૃગ અહીં તહીં ફરી રહ્યાં હતાં. એક-એક દ્રશ્યે કોઈ કવિની કલ્પના જાણે ખડી થતી હતી. ઉદયન અને કાક આગળ વધ્યા. સોપાનની પરંપરા ચડીને રાજમહાલયના મુખ્ય દ્વારે આવીને ઊભા. ત્યાં દ્વારભટ્ટે માધવદેવની પાસે જ ધંધરાજને ઊભેલો જોયો. એટલે એમનો રસ્તો સાફ થઇ ગયો. કાકભટ્ટે રાજમહાલયમાં પ્રવેશ કર્યો ને ચારે તરફ એક દ્રષ્ટિ કરી. મહાલયમાં ઠેરઠેર સ્ફટિક સુંદરીઓના હસ્તમાં સુગંધી દીપ જલી રહ્યા હતા. સામેની સ્તંભાવલિમાંથી ઊઠતી એમની પ્રતિચ્છાયાની