૨૦ મહારાણી આવ્યાં અર્બુદાચલથી ધારાગઢ આવતા રાજમાર્ગમાં એક મંદિર હતું. એ મંદિર પાસે ઉદયન બીજે દિવસે સાંજે આવીને કાકભટ્ટની રાહ જોતો ઊભો રહ્યો. કૃષ્ણદેવને એ હજી મળી શક્યો ન હતો, પણ હઠીલા મારફત કહેવા જેટલું એને કહેવરાવી દીધું હતું. સારે નસીબે હજી કાક વિશે બહુ પૃચ્છા થઇ ન હતી. પણ કૃષ્ણદેવ આવી જાય તો અભિષેક વિશેની ને બીજી બધી ખબર મળી જાય, કૃષ્ણદેવ ઘણી સાવચેતીમાં રમનારો માણસ હતો, એ એણે મહારાજની વાતમાંથી જ પકડી લીધું હતું. વળી એણે આ મંદિરમાં મહારાણીબા માટે ઉતારા વગેરેનું તો હઠીલા મારફત ઉદયનને કહેવરાવી પણ દીધું હતું. એટલે એનાં પોતાના આંહીં આવવા વિષે ઉદયનના મનમાં