૧૪ પણ ઉદયને ફેરવી તોળ્યું! ઉદયન આવી પહોંચ્યો ત્યારે કાકે ને કૃષ્ણદેવ બંને એની રાહ જોતા જ ઊભા હતા. કૃષ્ણદેવ ગંભીર હતો. કાક વિચારમાં હતો. ‘તમને કોઈ મળ્યું રસ્તે?’ કૃષ્ણદેવે ઉતાવળે પૂછ્યું. ‘મને? ના, કેમ? તમને?’ ‘મલ્હારભટ્ટ મળ્યો હતો!’ બંને વિચારમાં હતો એનો ભેદ ઉદયનને હવે સમજાયો. મલ્હારભટ્ટે ઇંગનપટ્ટન જવાની વાત કરેલી હોવી જોઈએ. ‘આપણે આંહીં કૃષ્ણદેવજીએ કહ્યું તેમ, ઘડી ઘડીના રંગ છે. એટલે વાત તમને કહેવાની રહી ગઈ હતી,’ ઉદયને તરત પ્રત્યુત્તર વાળ્યો, ‘પણ મારે ઇંગનપટ્ટન જાવું પડે તેમ છે. મહારાજની આજ્ઞા છે. દક્ષિણ દરવાજાની વાત ત્યાંથી વિજયાદિત્ય પાસેથી લાવવાની છે. મલ્હારભટ્ટે તમને એ જ કહ્યું નાં?’ ‘કહ્યું તો