(૧૧૫) ગુમાવેલ પ્રદેશોની પ્રાપ્તી ઈ.સ. ૧૫૮૫ માં મોગલ સેનાપતિ જગન્નાથ કછવાહાએ મેવાડપર બીજું આક્રમણ કર્યું. પરંતુ તે નિષ્ફળ ગયું. જ્યાં મેવાડની સમગ્ર પ્રજા, મહારાણાની અણનમ ટેક, સલામત રહે તેમ ઝંખી રહી હોય ત્યાં શાહીસેના કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકે? આથી જ જગન્નાથ કછવાહા મહારાણા પ્રતાપને આંબી શક્યા નહિ. છેવટે હતાશા અનુભવી તેઓ અજમેર પાછા ફર્યા. ત્યાં પહોંચી રાજપૂતાનાના સુબેદાર તરીકે ધ્યાન આપવા માંડ્યું. મોટાભાઈ રાજા માનસિંહની ટકોર હતી કે, બાદશાહ દરેક પ્રાંતના સૂબેદારોની ક્ષમતા તરફ વધુ નજર રાખી રહ્યા છે. આ ટકોર સાચી હોય તેમ, થોડા સમય પછી શહેનશાહે સૂબેદારોની સહાયતા કરવા માટે વધારાના સૂબેદારો નીમ્યા.