૨૪ શાકંભરીનો અર્ણોરાજ વિધિ માત્ર માણસ સાથે રમે એમ નથી, ઘણી વખત એ અદ્રશ્ય રીતે બનાવો સાથે પણ રમતી હોય છે. કેટલીક વખત એ માણસને રમાડે છે. તો કોઈ વખત માણસ પણ એને રમાડી જાય છે. પાટણના રાજમહાલયમાં કૃષ્ણદેવને જનોઈવઢ ઘા પડ્યો એ એક જ ઘટનાએ તમામની ગર્વમૂર્છા ઉડાડી દીધી. સત્તા કોની હોઈ શકે એનો નિર્ણય આપી દીધો. પણ પાટણના રાજમહાલયમા જે વખતે આ શોણિતધારા ભાવિનો નિર્ણય આપી રહી હતી, બરાબર એ જ સમયે શાકંભરીના રાજમહાલયમાં એક જુદી જ ઘટના ઊભી થઇ રહી હતી. કુમારપાલના ભાવિ સાથે એનો ગાઢ સંબંધ હતો. ત્યાં શાકંભરીરાજ અર્ણોરાજનો મહાલય બરાબર એ વખતે સેંકડો નાનીમોટી