૧૨ ભાઈ અને બહેન કાકભટ્ટનો રસ્તો હવે ચોખ્ખો હતો. મલ્હારભટ્ટ ગયો કે તરત એણે પાટણનો માર્ગ પકડ્યો. મલ્હારભટ્ટે વખતે કોઈને પોતાની પાછળ મોકલ્યો હોય એમ ધારીને એ કાંઈ પણ બોલ્યા વિના આગળ વધતો હતો. કુમારપાલ ને હઠીલો જ્યાં ભેગા થવાના હતા તે વળાંક આવી જાય પછી એ રાજા હતો. એ વળાંક આવ્યો. કોઈ બે સવારોને બોલ્યાચાલ્યા વિના પોતાના સવારોમાં ભળી જતા એણે જોયા. એ સમજી ગયો. એના આનંદનો પાર ન હતો. ધીમેધીમે પાછળ રહી જતાં એણે હઠીલાની સાથેના સવારની ઝાંખી કરી લીધી. એણે જોયું કે કુમારપાલ આવી ગયો હતો. ઘણા વખત પછી મળ્યા છતાં કાકે એને તરત ઓળખી કાઢ્યો. એનો