કેટલી માનતા માની હતી ? પથ્થર એટલા દેવ પૂજ્યા હતા. અંતરની અભિલાષા જ્યારે પૂરી થઈ ત્યારે રોહિતના માતા અને પિતાના કાળજા ઠર્યા હતા. દેવનો દીધેલ આવ્યો. બે વર્ષ પછી ‘લક્ષ્મી’ આવી. નસીબમાં લક્ષ્મી, ઝાઝુ ટકી નહીં. બાળકના ઉછેર માટે મા એ રાત દિવસ એક કર્યા હતા. માનો દુલારો, પિતાની આંખ નો તારો રોહિત મસ્તીખોર તો હતો તેના કરતાં વધારે ભણવામાં ચોક્કસ હતો. બાળપણથી મગજમાં ધુન ભરાઈ હતી. “હું ખૂબ ભણીને મોટો ડોક્ટર થઈશ. ” “મમ્મી મારે દાક્તરી ભણવા મુંબઈ જવાનું છે. હવે મારે સારા કપડાં અને નવા બૂટ પણ જોઈશે.” નાના ગામમાં રોહિતના પિતાજીની કરિયાણાની દુકાન હતી. ઈમાનદારીથી ધંધો કરતા.