૧૦. કર્ણદેવનું મરણ ત્રિભુવન જ્યાં કર્ણદેવને ભોંયે નાખ્યા હતા ત્યાં ગયો. આખા ગઢમાંથી બધા ત્યાં દોડી આવ્યા હતા; અને પળે પળે બહારથી માણસોનાં ટોળાં પર ટોળાં ત્યાં આવતાં હતાં. રડારોળ શરૂ થઈ ગઈ હતી. આજે કેટલા દિવસ થયા સામાન્ય લોકોને લાગતું હતું, કે કાંઈ ભયંકર પીડા પાટણને માથે આવી પડવાની છે. કર્ણદેવના મૃત્યુએ તે પીડાના ગણેશ બેસાડ્યા. બને એટલા લોકો રાજગઢમાં આવ્યા. બાકીના બહાર ચોરે ઊભા. ત્યાં નહિ માયા તે ચકલે ઊભા; અને સર્વ જુદી જુદી વાતો કરવા લાગ્યા. રાણી કેવાં દેખાય છે ? મુંજાલના મોઢા પર શા ભાવો છે ? દેવપ્રસાદ પાટણ આવ્યો છે કે નહિ ? એવા અનેક