૧૭ મુંજાલને વધુ સમજણ પડે છે સોમનાથના મુખ્ય મંદિરને ફરતાં સેંકડો મંદિરો હતાં. એક તરફ ગર્જના કરતો સોમનાથી જલનિધિ અને બીજી તરફ પવનના ઝપાટામાં ગાજી રહેતાં ગાંડી ગિરનાં વન – અને એમાં કુદરતબક્ષી વનરાજિની પરંપરામાં ઊભેલાં સેંકડો મંદિરો – એ આખી રચના જ અલૌકિક હતી. મંદિરોની સેંકડો ધજાઓ ત્યાં નિરંકુશ, રાત ને દિવસ ફરફર ફરફર્યા કરતી. મીનલદેવી એ હજારો ધજાને નિહાળતી સૂર્યમંદિર તરફ જવા ઉપડી. અત્યારે મુંજાલના મનમાં ગડભાંગ તો થતી હતી કે મહારાજ પોતે સૂર્યમંદિરમાં હશે કે નહિ: થોડુંક ચાલ્યા પછી તે આગળ વધતો અટકી ગયો. ‘કેમ, મહેતા? કેમ અટક્યા?’ ‘સૂર્યમંદિર તો પેલું સામે રહ્યું, બા! પણ પહેલાં હું