૮ મહાઅમાત્ય મુંજાલ સાંજ પડવા આવી. પૃથ્વીને વીંટળાઈ વળતું અંધારું ચારેતરફથી દોડતું આવ્યું. આકાશપૃથ્વીની વચ્ચે સેંકડો તારાઓ ઊગી નીકળ્યા હોય તેમ, ડુંગરેડુંગરે દીપમાલાઓ પ્રગટી નીકળી. સૈનિકોને સાવધ રહેવાની સૂચના આપતો શંખનાદ થયો. પણ દસોંદી લાલ ભાટ કે મઠપતિ કૈલાસરાશિ – બેમાંથી એક આવવાના ચિહ્ન હજી મુંજાલને ક્યાંક દૂર ક્ષિતિજમાં પણ જણાયાં નહિ. હરપળે એમના આવવાની રાહ જોતો મહાઅમાત્ય આમથી તેમ અધીરાઈમાં ટહેલી રહ્યો હતો. એના મગજમાં અત્યારે જૂનોગઢનું યુદ્ધ ઘૂમી રહ્યું હતું, એ જુદ્ધે મોટાને નાના કર્યા હતા નાનાને નકામા ઠરાવ્યા હતા, અનુભવી સેનાપતિઓને એક કોડીની કિંમતના બનાવ્યા હતા મુત્સદ્દીઓને મામુલી ગણાવ્યા હતાં પાટણના ગજેન્દ્રોને ગધેડા કરતાં નપાવટ મનાવ્યા હતા