(૮૪) કારમો/ભયંકર ભૂખમરો મહારાણા પ્રતાપ એકાંતમાં ચિંતામગ્ન દશામાં બેઠ હતા. આસન્ન ભૂતકાળમાં જે કપરા દિવસો વિતાવવા પડ્યા હતા તેની યાદ હજુ તેમના હૈયામાં તાજી હતી. તેમણે વેઠ્યો હતો ભયાનક ભૂખમરો. દિવસોથી અન્ન માટે વલખાં મારવા પડયા હતા. તે વખતે એવી સ્થિતી નિર્માણ થઈ હતી કે, પોતાની સાથે જીવન મરણના ખેલ ખેલાતા સૈનિકો માટે વ્યવસ્થા કરવી કપરી થઈ પડી હતી. છતાં ગુલાબસિંહ અને કાલુસિંહના પ્રયત્નોથી એ બાજુ થોડી રાહત થઈ હતી પરંતુ જે આશ્રયસ્થાનમાં મહારાણા પોતાના પરિવાર સાથે રહેતા હતા ત્યાં સુધી દુશ્મન સેનાની ભીંસ વધી ગઈ હતી.