(૭૧) રાજા માનસિંહની વાપસી “હિંદુસ્તાનની મોટામાં મોટિ સલ્તનતની ફોજમાં શું કોઇ એવો બહાદુર સેનાપતિ નથી કે જે મારી સમક્ષ મેવાડના રાણાનો ગર્વખંડન કરીને, એને મારા દાબારમાં પેશ કરે. શું હલદીઘાટીના યુદ્ધમાં રાણાનો એવો દમામ પથરાઈ ગયો છે કે, આટલા બધાં સેનાપતિઓ ડધાઈગયા છે.” આજે સમ્રાટ અકબર તીવ્ર વેદનાથી સિંહનાદ કરી ઉઠ્યો. દરબારે અકબરીમાં સન્નાટો છવાઈ ગયો. મોગલસેનામાં બે પ્રવાહો વહેતા હતા. રાજપૂતોને મિત્ર બનાવવા માટે સેનામાં રાજપૂત વીરોને યોગ્યતાના ધોરણે ભરતી કરવાથી મોગલ સિપાહીઓ, સેનાપતિઓમાં કચવાટ હતો. શાહબાઝખાનએ પક્ષનો મુખ્ય સેનાનાયક હતો. તે ગુપ્ત રીતે સેનામાં રાજપૂતોની ઓછામાં ઓછી ભરતી થાય અને પદોન્નતિ થાય એવા પ્રયત્નો કરતો.