શતરંજના પ્યાદા બાદશાહ અકબર રાજકારણની શતરંજના અઠંગ ખેલાડી હતા. સમયસર સોગઠી મારવામાં તેઓ અજોડ હતા. તેઓ શતરંજના ખેલમાં જે પ્યાદાઓ ગોઠવતા તે સચોટ પૂરવાર થતા. બાદશાહે જોયું કે, રાજપૂતો ખૂબ જ સ્વાભિમાની છે. જબરા સંવેદનશીલ છે. ઝેર ઝેરને મારે એ ન્યાયે રાજપૂતોમાં ભાગલાં પડાવ્યા. રાજપૂતાનાની મજબૂત રાજકીય ધરી એટલે મેવાડ, મારવાડ અને આંબેર રાજ્યની એકતા આ એકેયમાં આંબેરને પોતાના પક્ષે ભેળવી લીધું ન ધારેલા ભાગલા રાજપૂતોમાં પડ્યા. રાજા માનસિંહ અને રાજા ભગવાનદાસ મારફતે રાજપૂતાનામાં પોતાના પગડંડો જમાવી દીધો. બાદશાહ પ્રત્યક્ષ રીતે સામ્રાજ્યવાદની વાતો કરતા ન હતા. પ્રજાની ભલાઇ માટે વિશાળ સામ્રાજ્યની મધુર કલ્પના વહેતી મૂકતા.