પ્રકરણ બાવીસમુ જમીનના ખેડૂ આપણા સમાજે શાંતિને માર્ગે સાચી પ્રગતિ કરવી હોય તો ધનિક વર્ગે સ્વીકારવું જોઈએ કે જે આત્મા તેમના પોતાનામાં છે તે જ ખેડૂતો માં પણ વસે છે ;અને પોતાની ધનદોલતને કારણે તેઓ ખેડૂતો કરતાં ઊંચા નથી. જાપાની ઉમરાવો કરતા તેમ તેમણે પોતાને પોતાની મિલકત ના ટ્રસ્ટી ગણવા જોઈએ અને તે મિલકત પોતાના આશ્રિત ખેડૂતોના કલ્યાણને માટે વાપરવી જોઈએ. પછી તેઓ પોતાની મહેનતના કમિશન તરીકે વાજબી કરતાં વધારે રકમ નહીં લે. અત્યારે તો ધનિક વર્ગના સાવ બિનજરૂરી ઠાઠમાઠ અને ઉડાઉપણું અને જે ખેડૂતોની વચ્ચે તેઓ રહે છે તેમની કચરી નાખનારી ગરીબાઈ અને ગંદા વાતાવરણ વચ્ચે કશું પ્રમાણ નથી.