૧૯ ખાદિ અને હાથકાંતણ ખાદી એટલે દેશના બદા વતનીઓની આર્થિક સ્વતંત્રતા તેમ જ સમાનતાની શરૂઆત. પણ કોઇ વસ્તુ કેવી છે તે વાપરવાથી જણાય. ઝાડનું પારખું તેનાં ફળથી થાય. તેથી હું જે કંઇ કહું છું તેમાં સાચી વાત કેટીલ છે તે દરેક સ્ત્રીપુરુષ જાતે અમલ કરીને શોધી લે. વળી ખાદીમાં જે જે બાબતો સમાયેલી છે તે બધી સાથે ખાદીનો સ્વીકાર કરવો જોઇએ. ખાદીનો એક અર્થ એ છે કે, આપણે દરેકે પૂરેપૂરી સ્વદેશી વૃત્તિ કેળવવી જોઇએ ને રાખવી જોઇએ; એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની મહેનત તથા બુદ્ધિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી લેવાનો દૃઢ સંકલ્પ