ગીતાબોઘ - 13

  • 1.5k
  • 784

અધ્યાય તેરમો સોમપ્રભાત ભગવાન બોલ્યા : આ શરીરનું બીજું નામ ક્ષેત્ર અને તેને જાણનાર તે ક્ષેત્રજ્ઞ. બધાં શરીરોમાં રહેલો હું તેને ક્ષેત્રજ્ઞ સમજ, અને ખરું જ્ઞાન એ કે જેથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ભેદ જાણી શકાય. પંચમહાભૂત - પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ, અહંતા, બુદ્ધિ, પ્રકૃતિ, દશ ઈન્દ્રિયો - પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય. એક મન, પાંચ વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત એટલે શરીર જેનું બનેલું છે તેની એક થઈને રહેવાની શક્તિ, ચેતનશક્તિ, શરીરના પરમાણુમાં એકબીજાને વળગી રહેવાનો ગુણ આટલાં મળીને વિકારોવાળું ક્ષેત્ર થયું. આ શરીર અને તેના વિકારો જાણવા ઘટે કેમ કે તેનો ત્યાગ કરવાનો રહ્યો છે.