પ્રકરણ-૩૯. પ્રવીણ પીઠડીયા. એ સવાર ગજબ ઉગી હતી. લગભગ આખી રાત તંન્દ્રામાં જ વીતી હતી અને માનસાને મૂકીને આવ્યાં પછી અધૂરી ઉંઘમાં અજબ-ગજબ સપનાઓએ મને રીતસરનો ધમરોળ્યો હતો એમ કહી શકાય. ઘડીક મને જીવણાનું રક્તરંજિત ઘર દેખાતું હતું તો ઘડીક એ ઘરમાં ખીલખીલાટ હસતી માનસા દેખાતી હતી. એ સમયે થતાં વિજળીનાં ચમકારે ધોધમાર વરસતો વરસાદ જાણે ભયંકર પૂર તાણી લાવશે એવો ભાસ થતો હતો અને એ પૂરમાં જીવણાનાં ઘર સમેત અમે બન્ને તણાતાં દેખાતાં હતા. અર્ધ-બિડાયેલી મારી પાપણો પાછળ કોઈ ભયંકર ડરામણું ચલચિત્ર ચાલતું રહ્યું હતું અને એ બિહામણા સ્વપ્નાઓ મને છળાવી રહ્યાં હતા. એકાએક મને જીવણાનો ચૂંથાયેલો દેહ દેખાયો.