પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટેમાર્ગુ જોતાં જોતાં ચેતવતાં જાય છે, 'રૂપી, ભેખડ પડશે ને તુંને દાટી દેશે, હો બેટા!'પણ રૂપી તો મેરની દીકરી. એને તો એનાં ઘરખોરડાં આભલાં જેવાં ઊજળાં કરવાં છે. ઓરડામાં કમાનો વાળવી છે. દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નક્શી કરવી છે. ગોખલા કંડારવા છે, ભીંત ઉપર ચિતરામણ આલેખવા