મેઘનાબહેને સમીરભાઈનાં સૂચન પ્રમાણે પ્રિન્સીપાલ અને એસ્ટેટ એજન્ટને ફોન કરી દીધો અને તેટલી વારમાં તો ઘર પણ આવી ગયું. ગાડીમાંથી ઉતરીને મેઘનાબહેને પર્સમાંથી ઘરની ચાવીઓ કાઢી, ઘરનો ઝાંપો ખોલ્યો અને મુખ્ય દરવાજો ખોલવા લાગ્યાં. ત્યાં જ પાછળથી રીક્ષા આવવાનો અવાજ સંભળાયો જે ઝાંપા બહાર થોભી. તેમાંથી નિખિલ ઊતર્યો અને તેની પાછળ રમીલાનાં બંને નાનાં ભાઈબહેન ઊતર્યાં. બેય દોડીને રમીલાને વળગી પડ્યાં. બહેન સમુ બોલી ઊઠી, "તે હેં બુન, તું કોલેજમાં પેલ્લાં નંમરે પાસ થેઈ?" રમીલાએ હસીને તેનાં વાંસે હાથ ફેરવતાં કહ્યું, "હા, સમુ, મારો પહેલો નંબર આવ્યો."તરત જ નાનો ભાઈ મનિયો ટહુક્યો, "આ સમુડી તો આ સાલ નપાસ થેયલી. તે