રોજ જ્યારે રાતનાં અંધારાં દિવસને ગળી જાય અને રસ્તે ભૂરી સફેદ મર્ક્યુરી લાઈટો પ્રકાશનાં ચાંદરણા વેરે એવે વખતે હું મારી સેલ્સમેનની નોકરી પુરી કરી થાક્યોપાક્યો નીકળું. નજીક બસસ્ટેન્ડ પર થોડા વખતથી એ જ સમયે બસની રાહ જોતી યુવતી કહો તો છોકરી લાગે ને છોકરી કહો તો યુવતી લાગે એવી સ્ત્રીને જોઉં ને મારો થાક લગભગ ઉતરી જાય. કાજળ ઘેરી આંખો, નાનકડાં મોં પર કુણાકુણા ગોરા ગાલ પર પડતો રસ્તાની એ મર્ક્યુરી લાઈટનો પ્રકાશ, એ પાતળું પણ લોભામણું બદન અને શોલ્ડર સુધી હેરકટ રાખવાના જમાનામાં પણ.. માય.. ઢીંચણ સુધી પહોંચતા કેશ - બીજા કોઈ આની પાછળ પાગલ થયા કેમ નહીં હોય?