(પિતાનો દિકરી માટે અનન્ય પ્રેમ રજુ કરતી શ્રેષ્ઠ વાર્તા)પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર :એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી