૬ દિલીપનો તર્ક ......! ગલીના ખૂણે પહોંચતાં જ નાગપાલે રાજેન્દ્રના ઘરમાં થતી રોકકળનો અવાજ સાંભળી લીધો. એણે એક ઊંડો શ્વાસ ખેંચીને જીપને બ્રેક મારી. દીકરાના મોતના સમાચાર જાણે કે પાંખો ફૂટી હોય એ રીતે રાજેન્દ્રની વિધવા મા પાસે પહોંચી ગયા હતાં. કોઈક પરિચિતે જ આ સમાચાર પહોંચાડ્યા હતા. ‘હવે રાજેન્દ્રના ઘેર જવાનો કોઈ અર્થ નથી !’ દિલીપ બોલ્યો. ‘હા...તેમને સમાચાર તો પહોંચી જ ગયા છે !’ નાગપાલે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘પોસ્ટમોર્ટમ થયા પછી લાશ પણ મોકલી આપવામાં આવશે !’ એણે જીપનું ગિયર બદલીને પછી વાળી. થોડી પળોમાં જ તેઓ મુખ્ય સડક પર પહોંચી ગયા. એ જ વખતે સડક