વસુધા – વસુમાં... પ્રકરણ -51 પીતાંબરનાં મૃત્યુને મહીના ઉપર થઇ ગયું હતું પીતાંબરનાં ઘરમાં અને વસુધાને જે ખોટ પડી હતી એ કોઈ ભરી શકે એમ નહોતું. વિધિ વિધાન ભાગ્યનાં આ નિર્દયી નિર્ણયે ઘરમાં બધાને ભાંગી નાંખ્યાં હતાં. હજી કળ વળી નહોતી. ગુણવંતભાઈ અને ભાનુબહેન નસીબનો દોષ દઈને મન મનાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. વસુધાનાં માંબાપે એકવાર કહી જોયું કે વસુધાને પોતાનાં ઘરે લઇ જાય... એ હવે અમારે ત્યાંજ રહેશે... પણ વસુધાએજ સ્પષ્ટ ના પાડી દીધી... વસુધાએ કહ્યું ‘પીતાંબરની હજી આગ ઠરી નથી અને હું શું પારોઠનાં પગલાં ભરું ? હું ક્યાંય નથી જવાની... હું તમારું જ સંતાન છું