૩૫. પ્રેરણામૂર્તિ પિનાકી નિશાળે ગયો. રસ્તામાં ઝીણાં પાંખાળાં જંતુઓનું ઝૂમખું હોય તેવો આ વિચાર તેના મોંને વીંટળાતો રહ્યો. ‘વહુ’ એ શબ્દનો ઉચ્ચાર પણ એને ખરાબ લાગ્યો. એના આખા શરીરની ચામડી પર ખાજવણીનાં પાંદ કોઈએ મસળ્યાં જાણે ! ચેન પડતું જ નહોતું. વર્ગમાં સવાલો પુછાય તેના જવાબો આપવામાં પણ પિનાકીને ફાવ્યું નહિ. પરણવું અને વહુ લાવવી ? આંબાના નાનકડા રોપની ડાળીએ કોઈ બનાવટી કેરી લટકાવે તો કેવું વિચિત્ર લાગે ! કેવું કૃત્રિમ, બેડોળ ને બેહૂદું ! વહુનો વિચાર આ સત્તર વર્ષના જુવાનને એટલો નામુનાસબ લાગ્યો. આ મશ્કરી એને ગમી નહિ. સાંજે ક્રિકેટની રમતમાં એ દાઝેભર્યો ર્મયો. બૅટને પ્રત્યેક ફટકે એ ‘વહુ’ના