સોરઠ તારાં વહેતાં પાણી - 29

  • 2.7k
  • 1
  • 1.3k

૨૯. નવી ખુમારી યુરોપનું મહાયુદ્ધ આગળ વધતું હતું. લોકોની અક્કલ પણ આગળ વધતી હતી. નાનાં ગામોની ને મોટાં શહેરોની ટપાલ-ઑફિસોના ઓટા ‘વિન્ડો ડિલિવરિ’ના કાગળો મેળવવા માટે આવનારાં લોકોથી ઠાંસોઠાંસ રહેતા. ચબૂતરાની પરસાળો અને દેવમંદિરોની ફરસબંધીઓ પર છાપાનાં પાનાં પથરાતાં. અમદાવાદ પણ ન જોયું હોય તેવાં લોકો યુરોપની જાદવાસ્થળીના યુદ્ધક્ષેત્ર પર પથરાયેલી લડાયક સડકોને નાનેથી ત્યાં રમ્યાં હોય તેવાં પિછાનદાર બની પકડતાં. યુદ્ધના મોરચામાં ક્યાં ક્યાં ભૂલો થઈ રહી છે તેનું જ્ઞાન કાઠિયાવાડના નવરા પેન્શનરો પાસે સરકારના સેનાપતિઓ કરતાં વધુ હતું ! લીજ, નામુર અને વર્ડુનના કિલ્લામાં કેમ જાણે પોતે ઈજનેરી કામ કર્યું હોય, તેટલી બધી વાકેફગારી આ વાતોડિયાઓ દાખવતા હતા.