રાઘવ પણ આજે ખુબજ ખુશ થતો સુમનને લઇ અહીંથી તહી દોડી આખી સ્કૂલ ફરી ફરીને બતાવી રહ્યો હતો, જાણે એને એકજ દિવસમાં આખી સ્કૂલ બતાવી દેવી હતી. સ્કૂલમાં આવતા જતા બીજા બાળકો અને ટીચર્સ નાનકડી એવી પરી જેવી લાગતી સુમનને અપલક જોઈ રહેતા, અને ઘડીભર એની ચહેકાટને જોવા થંભી જતાં. રાઘવ પણ તે બધાને "આં મારી સુમી છે, તે પણ આજથી આપણી સ્કૂલમાં ભણવા આવશે" કહી ને સુમનને બધાની સાથે હરખભેર મળાવતો હતો.સૌ પ્રથમનો બેલ વાગતા બધા બાળકો લાઈન બનાવીને વચ્ચેના મેદાનમાં પ્રાર્થના માટે સિસ્તબદ્ધ લાઇનમાં બેસી ગયા. મેદાનની વચ્ચે બનાવેલ મંચ પર બધા શિક્ષકો અને સ્કૂલના પ્રિન્સિપાલ બિરાજમાન હતા.