(૩૮) (રહનેમિ રાજુલને ગુરૂ સ્વીકારી લે છે. ધારિણીએ શિવાદેવીને સંદેશો મોકલાવે છે. હવે આગળ...) રહનેમિ જતાં જતાં રથમાં પણ એના વિચારો રાજુલની આસપાસ જ ભમતા રહ્યા. ખરેખર વિધાતા શી એ બાળાએ મને પાપગર્તામાં થી બચાવ્યો. ભાઈ જાણશે તો... પણ હું પોતે જ એમની પાસે મારી નબળાઈનો એકરાર કરીશ. પ્રલોભનો અને સંસારના ઝંઝાવતો સામે અણનમ ટકી રહેનાર એ મહાનુભાવ અવશ્ય મારી આત્મશુધ્ધિનો માર્ગ શોધી આપશે. કેવો છો હું... ગયો હતો ભાઈની ભૂલ સુધારવા અને આવ્યો એનાથી પણ વધારે મોટી ભૂલ કરીને. વાહ વિધાતા... તારી ગતિ પણ અકળ છે. રાજુલકુમારીને એક સાધારણ સૌંદર્યવતી બાળા માની એને વૈભવ અને રાજસુખનાં આંજણ આંજવા ગયો.