અંતરા પર્લની સ્કૂલના બસસ્ટોપ પર ઊભી હતી. પર્લનો આવવાનો સમય થઈ ગયો હતો. બસ આવી. પર્લ ઉદાસ ચહેરે બસમાંથી ઊતરી. તેના વાળ વિખરાયેલા હતા. અંતરા થોડી ડઘાઇ ગઇ. તેણે તરત જ પર્લને પૂછ્યું... “શું થયું પર્લ? તારા વાળ આટલા વિખાઇ કેવી રીતે ગયા?” પર્લ કંઈ જ ન બોલી, પણ તેના ચહેરાના હાવભાવ પરથી અંતરા સમજી ગઇ કે તે ખૂબ જ ગુસ્સામાં છે, એટલે એ સમયે અંતરાને મૌન રહેવાનું જ ઉચિત લાગ્યું. કપડાં બદલીને પર્લ હોલમાં આવી. તેણે ટીવી ચાલુ કર્યું. અંતરાએ તેના હાથમા જમવાની થાળી આપી. “મને ભૂખ નથી.” છેલ્લા થોડા દિવસથી સ્કૂલમાંથી આવીને પર્લ આ જ ડાયલોગ બોલતી હતી..