મેં ધીમે-ધીમે મારી આંખો ખોલી અને આસપાસ નજર ફેરવી.મારી ચારેય બાજુ અગ્નિ હતી.કારણકે મારો જન્મ જ યજ્ઞમાંથી થયો હતો, હું ‘યાજ્ઞસેની’ હતી. મારા પિતા,પાંચાલનરેશ દ્રુપદે પુત્રપ્રાપ્તિ માટે એક યજ્ઞ કરાવ્યો હતો. જેમાં ફળરૂપે મારા ભાઈ સાથે મારી પણ પ્રાપ્તિ થઇ હતી. હું પાંચાલનરેશની પુત્રી,રાજકુમારી પાંચાલી હોવાથી મને પાંચાલના રાજભવનમાં લઇ જવાઇ.ત્યાં મારા શૃંગાર અને અન્ય જરૂરિયાતો પુરી કરવાં માટે અનેક દાસીઓ ઉપસ્થિત હતી.મારો શૃંગાર થયાં બાદ મેં મારી જાતને પ્રથમવાર દર્પણમાં જોઇ કારણકે મારો તો જન્મ જ યુવાવસ્થામાં થયો હતો. મારી પાસે બાળપણની સ્મૃતિઓ નહતી,પરંતુ હા, દેવતાઓ દ્વારા બાલ્યાવસ્થાથી લઇને યુવાવસ્થા સુધીનું બધું જ આવશ્યક જ્ઞાન મને વરદાનમાં મળ્યું હતું.