પ્રકરણ- પાંચમું ૫ક્ષણમાં તો સપના સમસમી ગઈ. સપનાને એમ થયું કે, મજાક કરતાં કરતાં પાછળથી કોઈએ રીતસર જોરથી ધક્કો મારી તેને હજારો ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધી. ક્ષણ માટે સપના ધબકારો ચુકી ગઈ. રક્ત થીજી ગયું. સોફા પરથી ઊભાં થવાની સ્હેજે હિંમત નહતી છતાં, મન સાથે મનોબળ મજબૂત કરીને દોટ મૂકી તેના રૂમ તરફ અને ત્યાંથી પર્સ લઈ, ફાટફાટ દોડી ફ્લેટની બહાર નીકળી એન્ટર થઇ લીફ્ટમાં, નીચે આવીને પહોંચી છેક સોસાયટીના મેઈન ગેઇટ પાસે. છાતી ધમણની માફક ધણધણતી હતી, ગળું અને હોઠ સુકાઈ ગયા હતાં.બાજુના સ્ટોરમાંથી એક વોટર બોટલ લઇ. ઓટોમાં બેસી રવાના થઇ સમીર પંચાલને મળવા તેના ક્લાસીસ તરફ.