સબ ઈન્સ્પેકટર જિમી અને સોફિયા હૉસ્પિટલમાંથી બહાર નીકળી જવા માટે દરવાજા નજીક પહોંચ્યા ને સોફિયા દરવાજાને ધકેલવા ગઈ, ત્યાં જ દરવાજાની અંદરથી બે લાંબા નખવાળા હાથ બહાર નીકળ્યા અને એ બન્ને હાથોએ સોફિયાની ગરદન પકડી લીધી અને સોફિયાને દરવાજાની અંદરની તરફ ખેંચી. સોફિયા એ બન્ને હાથોમાંથી પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન કરવાની સાથે જ ભય ને પીડાથી ચીસાચીસ કરવા માંડી. જિમી માટે આ દૃશ્ય અણધાર્યુ-અણકલ્પ્યું હતું. પળ બે પળ તો તે મૂંઝવણમાં પડયો, પણ પછી તેણે સોફિયાને પકડીને જોરથી ખેંચી. સોફિયાની ગરદન દરવાજામાંથી નીકળેલા એ બન્ને લાંબા નખવાળા હાથની પકડમાંથી છૂટી ગઈ.