ગઈકાલ રાતના તેજલને આનંદના ઘરની બારી બહાર, લીમડાના ઝાડ નીચે ઊભેલી જે સ્ત્રી સળગી ઊઠતી દેખાઈ હતી, એ જ સ્ત્રીને અત્યારે સામે બસ સ્ટેન્ડ પાસે સાજી-સારી ઊભેલી જોઈને તેજલ ખળભળી ઊઠી હતી. ‘ગઈકાલે તેની નજર સામે સળગીને પછી ગાયબ થઈ ગયેલી આ સ્ત્રી, એકદમ સાજી-સારી થઈને આજે ફરી તેની સામે કેવી રીતના આવી ગઈ ? !’ અત્યારે તેજલના મનમાંનો આ વિચાર પુરો થયો, ત્યાં જ એ સ્ત્રીના શરીર પર આગ ભડકી અને એ સ્ત્રી સળગી ઊઠી. અને બરાબર આ પળે જ તેજલ અને એ સળગતી સ્ત્રી વચ્ચેની સડક પરથી એક કાર પસાર થઈ ગઈ. અને..., અને તેજલની નવાઈ ને આંચકા વચ્ચે સામે ઊભેલી એ સ્ત્રી હવે દેખાઈ નહિ.