મનીષા અને ઉદય સવારે સવા નવે ડૉ. પ્રભારીના ક્લિનિક પર પહોંચી ગયાં. મનીષાનો આશાવાદ હજુય જીવંત હતો કે અહીં કોઈક ઈલાજ થઈ શકશે. પરંતુ ઉદયે તો આશા ગુમાવી જ દીધી હતી. એણે તો માની જ લીધું હતું કે હવે એનો ઈલાજ થઈ શકવાનો નથી. એના મનમાં તો એક જ વિચાર વારંવાર આંટો મારી જતો હતો કે જિંદગી જ સાવ નિરર્થક છે. પરંતુ મનીષાના આશાવાદ સામે એનો નિરાશાવાદ પાંગળો બની જતો હતો. બરાબર સાડા નવના ટકોરે ડૉ. પ્રભારી આવ્યા. એમણે તરત જ મનીષા અને ઉદયને અંદર બોલાવ્યાં. ક્લિનિકમાં બિનજરૂરી ભપકો નહોતો. છતાં સજાવટ આકર્ષક લાગતી હતી.