મોટું મેદાન હતું, અને એમાંથી એક સાંકડી પગદંડી નજર પહોંચે ત્યાં સુધી આવી ને આવી ચાલી જતી હતી. એની બન્ને બાજુ આવી રહેલાં, ઝીંડવો, ધોળિયું, અને બળદાણા - એમની ઘાસસુગંધ લેતો લેતો હું, ઉંબરવાડીના એ સાત ગાઉમાં ફેલાયલા વીડની પગદંડીએ પગદંડીએ ચાલી રહ્યો હતો. ચોમાસાના છેલ્લા દિવસો હતા. શરદ ઋતુમાં વાદળાં - એ ઘોળાં રૂપેરી આભરણથી આકાશને શણગારવા માંડ્યું હતું. આઘેની કેટલીક ધાર ઉપર રબારી પોતાનાં ઢોર ચરાવતા ઊભા હતા. ઠેર ઠેર પથરાયલી જમીનની લીલીછમ શોભાએ તમામના કંઠમાં બેઠેલાં ગીતોને જાણે બોલતાં કરી દીધાં હોય તેમ સીમ આખી જાણે ગાઈ રહી હતી ! ક્યાંકથી લંબરાગી દુહા આવી રહ્યા હતા. ક્યાંકથી