ચૌદમી સદીની શરૂઆત હતી. અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાનના નામથી સારું ગુજરાત ધ્રૂજતું હતું. કરણરાજા, કોણ જાણે ક્યાં ગુજરાતનું ગૌરવ ફરી સ્થાપવાનું સ્વપ્ન ઘડતો હશે કે મનસ્વી માણસના વેદનાભર્યા પશ્ચાત્તાપથી સળગતો હશે ! હિંદુ નામર્દ બન્યો હતો. મુસલમાન જુલમી બન્યો હતો. સર્વત્ર પોતાનો ચોકો સાચવી લેવાની વૃત્તિ દેખાતી હતી. મેવાડના રાણા સમરસિંહ રાવળ જેવાએ પણ માર્ગ આપીને મુસલમાન સૈન્યને પાટણ જવા દીધું હતું. પછી તો પાટણ પડ્યું, સોમનાથ લૂંટાયું. સારુંય સૌરાષ્ટ્ર થરથરવા લાગ્યું; કચ્છનાં અનેક જાતવંત ઘોડાં, ને કાઠિયાવાડની ‘તેજણ’ ને ‘માણકી’, ‘લખમી’ ને અનેક જાતવંત ઘોડીઓ અલફખાનના સૈન્યમાં દેખાવા લાગી. દિલ્હી જવા ઊપડેલું અલફખાનનું સૈન્ય કંથકોટ, પારકર, ઠઠ્ઠા વગેરે ચાંપી