૩૦.કહાનીની અંદરની કહાની રાહી હોસ્પિટલનાં બેડ પર સૂતી હતી. રાતનાં સાડા નવ થઈ ગયાં હતાં. રાધિકા રાહીનાં બેડ પાસે જ સ્ટૂલ પર બેઠી હતી. શ્યામ તેની પાસે ઉભો હતો. બહાર લોબીમાં રહેલી બેન્ચ પર ગૌરીબેન બેઠાં હતાં. આર્યન લોબીમાં આમથી તેમ ચક્કર લગાવી રહ્યો હતો. મહાદેવભાઈ હજું સુધી આવ્યાં ન હતાં. તે ક્યાં ગયાં છે? એ પણ કોઈને ખબર ન હતી. તે કોઈને જણાવ્યાં વગર જ નીકળી ગયાં હતાં. "તારાં અંકલ ક્યાં ગયાં છે? બેટા." ગૌરીબેને આખી લોબીમાં નજર કરીને પૂછ્યું. "કંઈ કહીને નથી ગયાં." લોબીમાં ચક્કર લગાવી રહેલાં આર્યને ગૌરીબેન સામે ઉભાં રહીને કહ્યું. પછી તે ફરી ચાલવા ગયો.