પ્રકરણ - ૨૬/છવીસ ગતાંકમાં વાંચ્યું...... ખીમજી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ એમની ધરપકડ કરે છે, અનંત એમને કોટડીમાં મળે છે. ઇન્સપેક્ટર ચુકાદા પછી કમરપટ્ટો સોંપવાની વાત અનંતને કરે છે. મધરાતે કોઈનો ફોન આવતા વલ્લભરાય હડબડી ઉઠે છે.... હવે આગળ...... "અટાણે... આટલી રાતે કોનો ફોન હશે?" વલ્લભરાય અને નિર્મળા એકમેક તરફ પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા એટલામાં ફરીવાર રિંગ વાગી. વલ્લભરાયે ઉઠીને લાઈટ ચાલુ કરીને ફોનનું રિસીવર ઉપાડી કાને માંડ્યું. ફોનના સામે છેડે રહેલી વ્યક્તિની વાત સાંભળી વલ્લભરાયના હાથમાંથી રિસીવર છટકી ગયું ને ટેબલ નીચે લટકી રહ્યું. નિર્મળાએ જોયું તો વલ્લભરાયના કપાળે પરસેવો વળી રહ્યો હતો, આંખો ચકળવકળ થઈ રહી હતી.