એપ્રિલ - મે મહિનો આવે છે, અને યાદદાસ્તનો એક અંધારિયો ખૂણો ઝળહળી ઊઠે છે. સંસ્કૃતિના એક લકવાગ્રસ્ત અંગમાં ચેતનાનો સંસાર થાય છે. કલબલાટ, કોલાહલ, દોડાદોડી, ધિંગામસ્તી અને પકડદાવ - થપ્પોના અવાજો બન્ને કાનને ખીચોખીચ ભરી દે છે. આંગળીઓના વેઢા કરતાંય વધુ વર્ષો વહી ગયાં હોવા છતાં એ બધું જાણે હમણાં જ બન્યું હોય એવો આભાસ થાય છે. ઈશ્વર જેવું કંઈક હોય અને એ પ્રસન્ન થઈને કંઈક માગવાનું કહે તો એ વર્ષો પાછાં માંગવાની લાલચ રોકાય નહિ. ભૂલેચૂકે જો એ સમય પાછો મળી જાય તો એનો કૉશેટો બનાવીને એમાં પુરાઈ જવાની પ્રબળ ઈચ્છા જાગે છે. ખબર છે