જો જીતા વો સિકંદર..! મોડે મોડે અને ઉમરની છેલ્લી ઓવરમાં શ્રીશ્રી ભગાને પણ રાજકારણનો ચટાકો લાગ્યો. મા-બાપ ને પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું લાગ્યું, ને નેતા બની દેશની સેવા કરવાની એની ભાવના અડીખમ હતી. સ્થાનિક ચૂંટણીના જેવાં બ્યુગલ સંભળાયા, એટલે શ્રીશ્રી ભગાએ પણ ખાદીની એક જોડ સિવડાવી લીધી. સાઈ કલ પર મહાત્મા ગાંધીજીનો ફોટો ચઢાવી દીધો, પણ સૂત્ર બોલતો હતો ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે..!’ આ રાજકારણના ચટકા, માંકડના ચટકા કરતાં પણ ખતરનાક હોય દાદૂ..! માંકડની ટેવ સુતેલાને ચટકા ભરવાની અને, રાજકારણીની ટેવ, જાગતાને પણ ચટાકેદાર ચટાકા આપવાની. ખુરશી ચીજ ઐસી હૈ..! એના મોહમાં ભલભલાના મોંઢા પલળી જાય.