ગુલામ – 18 લેખક – મેર મેહુલ ( પિતા-પુત્રનાં માઠાં સંબંધો ) સાડા છ વાગ્યે અભય શરૂ વરસાદે ભાવનગરથી પ્રતાપગઢ તરફ રવાના થયો હતો. વરસાદનું જોર વધુ હતું, મોટાં છાંટા કાને આવીને પથ્થરની જેમ વાગતાં હતાં. અભય ઘાંઘળી ગામથી આગળ ગયો એટલે ચોગઠનાં ઢાળ પહેલાં તેને એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સામેનાં નાના નાળા પરથી અડધા ફૂટ જેટલું પાણી જતું હતું. વાહનચાલકો જાળવીને એ નાળુ પસાર કરતાં હતાં. અભયે પણ ધીમે ધીમે નાળુ પાર કર્યું. વરસાદ હજી સાંબેલાધાર વરસતો હતો. અભય ચોગઠ પહોંચ્યો ત્યાં મોટરસાયકનાં પાછળનાં ટાયરમાં હવા નીકળી ગઈ. ફરી મોટરસાયકને દોરીને અભય પંચરવાળાને ત્યાં લઈ ગયો.