"બહુજ લુચ્ચું પ્રાણી છે આ તો શિયાળવાંઓ કરતા પણ.' પીટર બોલ્યો. પ્રોફેસર જયારે શારુંત પ્રાણી વિશે બધાને માહિતી આપી રહ્યા હતા ત્યારે પીટર અને એન્જેલા પણ બહારથી આવી ગયા હતા. "હા લુચ્ચાઈ ના કરે તો બિચારા ભૂખે મરી જાય. પેટનો ખાડો પૂરવા કંઈક તો કીમિયો અજમાવવો પડેને એમને પણ.' રોકી મજાકના મૂડમાં બોલ્યો. "પણ આટલા લુચ્ચા પ્રાણીનો પણ ફિડલે શિકાર કરી નાખ્યો એટલે ફિડલ તો શારુંત પ્રાણીઓ કરતા પણ વધારે લુચ્ચો છે.' ચૂપ ઉભેલા જોન્સને ફિડલની ટીખળ કરી. જોન્સનની ટીખળ સાંભળીને બધા જોરથી હસી પડ્યા.ખુદ ફિડલ પણ ખડખડાટ હસી પડ્યો. "ફિડલ એકલાની વાત નથી આખી માણસજાત જ લુચ્ચાઈથી ભરેલી છે.'