બાવન પ્રમોદરાયનો અવાજ જ એટલો મોટો હતો કે સુંદરી આપોઆપ જ્યાં હતી ત્યાંજ રોકાઈ ગઈ. “આ હું શું સાંભળું છું?” પ્રમોદરાય સુંદરીની પાછળ જ હતા પરંતુ તેના તરફ ચાલતા ચાલતા તેની લગભગ નજીક આવી ગયા હતા. “શું?” સુંદરી પિતા તરફ ફર્યા વગર જ્યાં ઉભી હતી ત્યાંથી જ બોલી. “તારું તારા કોઈ વિદ્યાર્થી સાથે પ્રેમપ્રકરણ ચાલે છે?” પ્રમોદરાયે કહ્યું. “તમને કોણે કહ્યું?” હવે સુંદરી પ્રમોદરાય તરફ ફરી. “એ જરૂરી નથી, પણ મારા કાને જે વાત આવી છે એ સાચી છે કે નહીં?” પ્રમોદરાયનો અવાજ મજબૂત બની રહ્યો હતો. “તમને તમારી દિકરી પર વિશ્વાસ નથી?” સુંદરી પોતાની આંખો ઝીણી કરીને બોલી.