યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૭ ‘‘મેટ્રો’’માં સાંજ જાણે ઝળાહળા થઈ રહી હતી. લાઇવ બેન્ડ ‘તેરે શહર મેં’નાં ગીતોની ધૂન વગાડી રહ્યું હતું. આખું થિયેટર ઝીણી ઝીણી લાઇટ્સથી શણગારવામાં આવ્યું હતું. ‘તેરે શહર મેં’ના સ્ટીલ્સનાં મોટા લાઇફસાઇઝ કટઆઉટ્સ અને બ્લોઅપ્સ ચારે તરફ લગાડવામાં આવ્યાં હતાં. ફૂલોથી રંગોળી કરવામાં આવી હતી. સીડી ઉપર, લિફ્ટ પાસે, સ્નેક્સ કાઉન્ટર પાસે, ફૂલોની હાર અને લાઇટ્સ લગાડવામાં આવી હતી. ‘તેરે શહર મેં’ના થીમ ઉપર ડિઝાઇન કરેલું આખુંય ડેકોર અનુપમા અને અભિષેકના જુદા જુદા ફોટોગ્રાફ્સથી સજાવવામાં આવ્યું હતું. સુંદર વસ્ત્રોમાં સજ્જ હોસ્ટેસ આવનારા મહેમાનોને ફૂલો અને અત્તરથી આવકારતી હતી... હવામાં સંગીત અને સુગંધ