યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૬ સૂર્યકાંતને ભેટેલાં વસુમા જાણે જિંદગીના પચીસ વર્ષે રોમરોમ ભીંજાઈ રહ્યાં હતાં. એમની આંખોમાં પાણી આવી ગયું હતું. કદાચ એમને ખબર નહોતી, પણ પેલી તરફ ઊભેલાં અભય અને વૈભવીએ પણ વહાલ અને વિયોગના વરસાદથી રેલાતી સૂર્યકાંતની આંખો જોઈ લીધી. ‘‘કાન્ત !’’ સુખની સમાધિમાંથી જાગેલાં વસુમાએ હળવેથી સૂર્યકાંતના કાનમાં કહ્યું, સામાન્ય ગુજરાતી છોકરીઓ કરતાં વસુમાની ઊંચાઈ સહેજ વધારે હતી એટલે એમનું માથું લગભગ સૂર્યકાંતના ખભે આવતું હતું અને પાતળો અને સુંદર બાંધો સૂર્યકાંતના બાહુપાશમાં એવી રીતે સમાઈ ગયો હતો જાણે બંને એકબીજા માટે જ બન્યાં હોય. ‘‘કાન્ત ! છોકરાંઓ જુએ છે.’’ ‘‘એ પણ